“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

મંગળવાર, 31 જુલાઈ, 2012

રાખડી બનાવવાની પ્રવૃત્તિ


આજે વિદ્યાર્થીનીઓ બહુ ખુશ હતી. કેમ કે આજે શાળામાં બધી વિદ્યાર્થીનીઓએ સ્વ-નિર્મિત રાખડી બનાવી શાળાના ભાઈઓને બાંધવાની હતી. પ્રાર્થના સંમેલન બાદ શિક્ષિકા બહેનોએ બધી વિદ્યાર્થીનીઓને ભેગા બેસાડી રાખડી બનાવવા માટેની જરૂરી સૂચનાઓ આપી તથા એક નમુનો બનાવી બતાવ્યો.
ચાર ચાર છોકરીઓનું જૂથ પાડી બધા રાખડી બનાવવા બેસી ગયા. બધો સામાન વિદ્યાર્થીનીઓમાં વહેચવામાં આવ્યો. રાખડી બનાવવામાં બધી છોકરીઓ તથા શિક્ષિકા બહેનો વ્યસ્ત થઇ ગયા. જ્યાં જરૂર જણાય ત્યાં શિક્ષિકા બહેનો મદદ કરતા અને ભૂલ જણાય તો સુધારતા. દરેક વિદ્યાર્થીનીઓને પોતાના પરિવાર પર આર્થિક બોજ ઓછો પડે તે માટે સૌ શિક્ષકોએ તેમણે ઘર માટેની રાખડીઓ બનાવવાનું સૂચવ્યું. વિદ્યાર્થીનીઓએ સુચના પ્રમાણે ત્રણ-ત્રણ રાખડી બનાવી. જેમાંથી એક રાખડી શાળા માટે, બીજી રાખડી વૃક્ષ અને જાહેર મિલકતોને બાંધવા માટે અને ત્રીજી રાખડી પરિવાર માટે બનાવી. બધી વિદ્યાર્થીનીઓએ એક કલાકમાં બધી રાખડીઓ તૈયાર કરી દીધી. જાતે બનાવેલી રાખડીઓથી વિદ્યાર્થીનીઓમાં ખુબ ખુશી વર્તાતી હતી. સૌ વિદ્યાર્થીનીઓ રક્ષાબંધનનો દિવસ (શ્રાવણી પૂનમ) ક્યારે આવે અને અમે સૌ અમારા વ્હાલા ભાઈને રાખડી બાંધી સુભાશિષ પાઠવીએ તેની આતુરતાથી રાહ જોતી હતી.
ચાલો  માણીએ કેટલીક તસ્વીરો:-
                        

                                     

રક્ષાબંધન પર્વની સમજણ

                   આજરોજ પ્રાર્થના સંમેલન બાદ દરેક શિક્ષકોએ સૌ વિદ્યાર્થીઓને આ પર્વ અંગેની વિસ્તૃત ચર્ચા કરી. તેમાં શ્રીમતી રીનાબેને રક્ષાબંધન એ ભાઈ બહેનના પવિત્ર તહેવાર અંગે સમજણ આપી તથા દરેક વસ્તુની રક્ષા કરવી જરૂરી હોવાથી વૃક્ષો, વાહનો તથા અન્ય જાહેર વસ્તુઓને સન્માન આપી રક્ષા બાંધવાનું સુચવી સૌ વિદ્યાર્થીઓને જાગૃત કર્યા. ત્યારબાદ શ્રીમતી મૃગાબેને આ પર્વ અંગેની પૌરાણિક કથાઓ કહી સંભળાવી અને શ્રી નિલેશભાઈએ આ પર્વ અંગેની આરોગ્યલક્ષી વાતો કહી જેમાં બહારની મીઠાઈઓમાં થતી ભેળસેળ, મીઠાઈના પ્રકાર, તેમાં વપરાતા પદાર્થો અને તેની મનુષ્યના આરોગ્ય પર થતી અસરો વિષે જાણકારી આપી સૌ વિદ્યાર્થીઓને સભાન કર્યા. ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓમાંથી ૭ વિદ્યાર્થીઓએ પણ પોતે જે આ પર્વ વિશે જાણતા હતા તે પણ અન્ય વિદ્યાર્થીઓને સંભળાવી જાગૃત કર્યા. સૌ વિદ્યાર્થીઓએ અન્ય ખોટા ખર્ચા ન કરતા સાદગીથી રક્ષાબંધન પર્વ ઉજવવાના પ્રણ લીધા. સૌએ નક્કી કર્યું કે શાળામાં બનાવેલી રાખડી જ પોતાના ભાઈઓને બાંધવી, બહારથી જાત જાતની મીઠાઈઓ ના ખરીદતા, આરોગ્યલક્ષી વાતને ધ્યાનમાં રાખતા સાકરથી મો મીઠું કરાવવુ તથા ભાઈએ આપેલી યથા શક્તિ ભેટને વાપરી ન નાખતા બચત બેંકમાં જમા કરાવવાનું નક્કી કર્યું.

ગુરુવાર, 26 જુલાઈ, 2012

ભૌમિતિક આકારોનો અંક


           26/7/2012 ના રોજ ગણિત વિજ્ઞાન મંડળ અંતર્ગત ભૌમિતિક આકારો અને તેને લગતી વિવિધ માહિતીનો અંક બનાવવાની પ્રવૃત્તિ કરવાની હતી. સૌ પ્રથમ ધોરણ ૮ ના બાળકોના ચાર ચાર જૂથ પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ જૂથ પ્રમાણે દરેકને પ્રવૃત્તિને લગતી સાધન સામગ્રી વહેચવામાં આવી.
               ત્યારબાદ દરેકને કાર્ય શરુ કરવાની સુચના આપી. દરેક જૂથ પોતાની આવડત પ્રમાણે કાર્ય કરવા લાગ્યા. દરેક જૂથને અલગ અલગ નામથી નવાજવામાં આવ્યા હતા જેમ કે સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ વગેરે દરેક જૂથના દરેક વિદ્યાર્થીઓએ રંગીન કાગળમાંથી વિવિધ ભૌમિતિક આકારો કાપીને A4 સાઈજના કાગળમાં ચોટાડી અને તેના વિષે નીચે માહિતી એકત્ર કરીને લખી. 
              ત્યારબાદ બધા જુથ પ્રમાણે કાગળ લઇ લેવામાં આવ્યા. ત્યારબાદ શિક્ષકની મદદથી તેને પંચ કરી ફાઈલ બનાવવામાં આવી અને આ ફાઈલનું નિદર્શન વિદ્યાર્થીઓને કરાવવામાં આવ્યું.
              નિદર્શન બાદ ધોરણ ૮ ના સૌ વિદ્યાર્થીઓએ સહકાર બદલ આભાર માની આ પ્રવૃત્તિ પૂર્ણ કરવામાં આવી.


મંગળવાર, 3 જુલાઈ, 2012

શાળા મહામંત્રી ચૂંટણી વર્ષ ૨૦૧૨-૧૩

તા- ૨૦/૬/૨૦૧૨ (બુધવાર)
                            તા - ૨૦/૬/૨૦૧૨ ના રોજ શાળામાં પ્રાર્થનામાં મહામંત્રીની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી. આ વખતની ચૂંટણી પણ દર વર્ષની જેમ પદ્ધતિસર કરવાનું નક્કી કરવામાં આવ્યું. જેના માટેના ઉમેદવારી ફોર્મ પણ બહાર પાળી તા- ૨૧/૬/૨૦૧૨ થી ૨૫/૬/૨૦૧૨ સુધી અમારી શાળાના બનાવેલ ચૂંટણી અધિકારી શ્રીમતી રીનાબેન જે. શાહને જમા કરાવવાનું નક્કી કર્યું.
ઉમેદવારી  ફોર્મનો નમુનો
 
તા- ૨૬/૬/૨૦૧૨ (મંગળવાર)
                   તા - ૨૬/૬/૨૦૧૨ ના રોજ પ્રાર્થનાસભામાં ચૂંટણી અધિકારી શ્રીમતી રીનાબેન જે. શાહે બધાને જણાવ્યું કે કુલ ૨૨ ઉમેદવારી ફોર્મ ભરાયા હતાં તેમાંથી ૧૬ ફોર્મ પાછા ખેચાયા બાદ ૬ ઉમેદવાર બાકી રહ્યા. હવે તેમની વચ્ચે ચૂંટણી થશે.તા - ૩૦/૬/૨૦૧૨ ના રોજ ચૂંટણી જાહેર કરવામાં આવી.
ચૂંટણી માટેના જરૂરી અગત્યના ફોર્મ્સ
મતપત્ર
મત  પાવતી
અધિકારીઓ / એજન્ટો / ઉમેદવારોના માટેના ઓળખપત્રો
    

મતગણતરી પત્રક
અન્ય ફોર્મ

            ૨૬ તારીખ બાદ તો શાળાનો માહોલ તો કઈ વિશેષ જ જોવા મળ્યો. દીવાલો પર બેનરો લટકાવવામાં આવ્યા. ( દરેક બાળકને વિનામુલ્યે શાળાના પ્રિન્ટરમાંથી પ્રચાર માટેના કાગળો કાઢવાની છૂટ હતી) .જોર શોરથી પ્રચાર થવા લાગ્યા. રીશેષમાંથી રમતની બાદબાકી થઇ અને ચૂંટણીએ સ્થાન જમાવ્યું.
 તા- ૩૦/૬/૨૦૧૨ (શનિવાર)
           અંતે સૌની આતુરતાનો અંત આવ્યો. તા - ૩૦/૬/૨૦૧૨ ની સોનેરી સવાર ઉગી. આજે ગૌરીવ્રતનો પ્રથમ દિવસ પણ હતો. બધા બાળકો પોતાના ઉમેદવારને વોટ આપવા વહેલા વહેલા આવી ગયા જોઈએ કેટલીક ઝલક

 
 
  
  
                          સૌ બાળકોની સાથે સાથે શિક્ષકોએ પણ પોતાનો કિંમતી મત આપ્યો.
                               કુલ મતદારો :- ધોરણ ૬ થી ૮ ના ૧૦૧ બાળકો તથા  ૪ શિક્ષકો કુલ ૧૦૫ મત
                             થયેલ મતદાન :- ૯૦ બાળકો તથા ૪ શિક્ષકો કુલ ૯૪ મત

                તા- ૨/૭/૨૦૧૨ ના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. શું પરિણામ આવશે તેની સૌ કોઈ ચિંતા કરતા છુટા પડ્યા આમ આજની ચૂંટણી કામગીરી શાંતિપૂર્વક પૂર્ણ થઇ.

તા- ૨/૭/૨૦૧૨ (સોમવાર)
                           પરિણામની આતુરતા સૌને હતી. બાળકો અને શિક્ષકો સૌ ઉત્સાહમાં હતાં કે પરિણામ શું હશે? સૌની આતુરતા ચરણસીમા પર હતી.

             પરિણામ સૌને ચોકાવનારુ હતું. સૌથી વધુ વોટ સરોજબેન કનુભાઈ વાઘેલાને મળ્યા જેથી તેમને  "મહામંત્રી"  અને બીજા નંબરે અર્જુન મહેશભાઈ પરમારને વધુ વોટ મળ્યા તેથી તેમને  "ઉપમહામંત્રી" બનાવવામાં આવ્યા.
                  આજે બાળકોએ સાચી ચૂંટણી કર્યાનો અને એક નાગરિકની પ્રથમ ફરજ તે વોટ કરવો તે ફરજ પૂરી કર્યાનો સંતોષ માન્યો.
                  બાળકોમાં જે બાળકો ચૂંટણી અધિકારી બન્યા હતાં અને જે બાળકોએ પોલીસ જવાનો બની ચૂંટણી કામગીરી સંતોષ પૂર્વક પૂર્ણ કરવામાં મદદ કરી હતી તે તથા મતગણતરીમાં જે બાળકોએ ભાગ લીધો હતો તે બાળકોને શાળાના આચાર્યે પ્રોત્સાહન ઇનામ આપ્યું હતું.